Monday, August 17, 2009

બેકલતા ! - ચંદ્રકાન્ત બક્ષી

વર્ષો પહેલાં મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો : બેકલતા ! ગુજરાતીઓનો આ અનુભવ હવે ફેલાતો જાય છે. પતિ અને પત્ની હોય, દીકરી પરણી ગઈ હોય, દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમાં હોય, અથવા બંને વિદેશમાં રહેતાં હોય. રંગીન ફોટાઓ જોયા કરવાના, પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીના; ફોન પર વાતો કરતા રહેવાનું, દસ-અગિયાર કલાક ઘડિયાળને પાછળ મૂકીને, અને ઘરમાં બે જણાએ સાથે સાથે બૂઢા થતા જવાનું. આ સ્થિતિ બેકલતાની છે. બે વ્યક્તિઓની એકલતા, સાંજ લાંબી ચાલતી હોય એ જિંદગી. સંતાનો એમના સુખની દિશામાં ઊડી ગયાં છે એટલે 500 ફીટનો ફલૅટ 750 ફીટનો બની ગયો છે. ધીરેધીરે સમવયસ્ક મિત્રો, પરિચિતો, સગાંઓમાંથી દર વર્ષે બાદબાકી થતી રહે છે. અને એક દિવસ, જ્યારે ગોઠણોમાં દર્દ વધી ગયું છે અને જમણા કાનમાં ઓછું સંભળાય છે અને ડાબી આંખમાં મોતિયો પાકવા આવ્યો છે ત્યારે ઘરમાંથી એક વ્યક્તિ ચિરવિદાય લે છે. દીવાલ પર ફોટો, અને સુખડનો હાર, અને છાતી પિસાઈ જાય એવી એકલતા. ઘરમાંથી સંપૂર્ણ બાદબાકી થઈ ગઈ છે. હવે વર્ષો ઓછાં રહ્યાં છે અને સમય ખૂટતો જ નથી. ખુલ્લી આંખો માત્ર ભૂતકાળને જ જોયા કરે છે. રોજ બારી પર આવીને બેસતા કાગડાને પણ ખબર પડી ગઈ છે કે ઘરમાં બીજી વ્યક્તિ નથી…

No comments:

Post a Comment