Monday, August 17, 2009

બેવતન – ચંદ્રકાન્ત બક્ષી

વતન એક વિચિત્ર શબ્દ છે, એ શબ્દમાં જ વિરોધતા છે, બે વિચારો સાથે જીવે છે. વતનની માયા માણસને મૃત્યુ સુધી રહે છે અને દુનિયાનાં આકાશોમાં ઊડવા માટે માણસ વતન છોડે છે. જે વતન છોડતો નથી એ ગતિશીલ રહેતો નથી, શિથિલ થઈ જવાનો ભય છે અને દુનિયા જીતી લીધા પછી વતન છૂટતું નથી, પૂરા શરીરમાં ફેલાઈ જાય છે. વતન એટલે દેશ. વતન પરસ્તી એટલે દેશભક્તિ. બેવતની એટલે ઉસ્થાપિત, વિસ્થાપિત, ઊખડી જવાની ક્રિયા. વતન ઘણીવાર ઘૂટન પૈદા કરે છે. શક્તિઓને રૂંધી નાખે છે, માણસ વતન છોડવા માટે બાધ્ય બની જાય છે અને બીજો માણસ સાત સમુદ્રો ઓળંગીને પાછો ફરે છે.

વતન માટે આટલો બધો લગાવ હતો તો વતન છોડ્યું શા માટે ? રોટી માટે, અનજાનની શોધ માટે, પરાક્રમના તજુર્બા માટે, માર ખાવાના રોમાંસ માટે, પૈસા કમાવા માટે, મર્દાનગીની ચેલેન્જ માટે. એક હજાર નાનાંમોટાં કારણો હોઈ શકે છે. અને બેવતની એક કસક પૈદા કરે છે. બેવતન થયેલા માણસને જ વતનના લગાવનો સાચો અહેસાસ થતો હોય છે.બેવતનીનો કદાચ સૌથી કટુ અનુભવ સ્ત્રીઓને હોય છે. પિતાનું ઘર છોડવાનું છે. એ સગાંઓ, એ સ્વજનો, એ સુહૃદોને છોડવાનાં છે. બિરાદરી છોડવાની છે. ભૂતકાળ કાપીને જવાનું છે. આંસુ મૂકીને જવાનું છે. આત્મીય મૃતકોના સુખડના હાર ચડાવેલા ફોટાઓને પ્રયત્ન કરીને ભૂલીને જવાનું છે. એ મમીની ચંપલ, એ ડૅડીનું ટૂથબ્રશ, એ નાનીબહેનનો કાંસકો, એ મોટાભાઈનો ટુવાલ હવે નવા જીવનમાં નથી. દાદીનાં બાયફોકલ ચશ્માં અને દાદાનાં ડેન્ચર હવે પાછળ રહી જવાનાં છે. કદાચ વિદેશમાં જવાનું છે, દરિયાપાર, એ દેશમાં જ્યાં સાસરું અને પિયર જેવા શબ્દો જ નથી. એ દીકરી જેના વાળ ઓળીને રિબન બાંધી આપી હતી, એ વડોદરા કે વલસાડથી નીકળીને બોસ્ટન જવાની છે. એ દીકરી જેની આંખોમાં તમારી આંખોનો પારદર્શક બદામી-સોનેરી રંગ ઊતર્યો છે, એ સુરેન્દ્રનગર કે સુરતથી નીકળીને હ્યુસ્ટન જવાની છે. એ દીકરી જેના નાના ટિફિનમાં તમે રોજ બે સેન્ડવિચ મૂકી આપતા હતા, એ પાલનપુર કે પોરબંદરથી, ક્રોયડન ગઈ છે. ફોન આવે છે : મંમી, હું સુખી છું ! પછી મૌન. ખામોશી. શાંત કોલાહલ. ગર્ભિત ચુપ્પી. વોઈસીસ ઑફ સાયલન્સ. મૌન વધારે કહી જાય છે, અવાજ કરતાં. અને એ વિદેશી બની રહેલી દીકરીનો અવાજ ફરીથી સંભળાય છે : મંમી, હું સુખી છું ! મંમી કહે છે : બેટા, તબિયત સંભાળજે ! અવાજને સ્વસ્થ રાખવાની મંમીની કોશિશ. સુખ અને દુ:ખની ભેદરેખાઓ ધૂમિલ થઈને ભૂંસાવા લાગે એ ક્ષણ. એક શાયરે ગાયું છે એમ જ…. દબા-દબા-સા, રૂકા-રૂકા-સા, દિલ મેં શાયદ દર્દ તેરા હૈ….

No comments:

Post a Comment