પોતાના પુત્રને કાંઈક ભેટ આપવાની એક પિતાની હોંશથી એક નાની રૂપકડી ચોપડીની ઉત્પત્તિ થઈ છે. પિતાની એ શીખમાંથી નીપજેલી અંગ્રેજી ચોપડીનું નામ છે : 'લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન બુક' તેને દરેક પાને સાદા શબ્દોમાં બે-ચાર નાની નાની શિખામણો મોટા અક્ષરે છાપેલી છે. તેમાંની કેટલીક :
[1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.
[2] કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય છે.
[3] દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
[4] તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.
[5] તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.
[6] આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.
[7] સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.
[8] જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.
[9] ઘસાઈ જજે, કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.
[10] હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.
[11] લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
[12] તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.
[13] ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય એનો પણ.
[14] ગંદકી સામે જંગ માંડજે.
[15] પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે – ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.
[16] એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રમાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.
[17] જેમને એ વાતની કદી જાણ પણ થવાની ન હોય એવા લોકો માટે કશુંક સારું કરતા રહેવાની આદત કેળવજે.
[18] દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.
[19] કોણ સાચું તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે.
[20] એકંદર યુદ્ધમાં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈઓમાં હસતાં શીખજે.
[21] જે ગાંઠ છૂટી શકે તેને કાપતો નહીં.
[22] દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.
[23] યાદ રાખજે કે સફળ લગ્ન જીવનનો આધાર બે વસ્તુ પર રહે છે (1) યોગ્ય પાત્ર શોધવું અને (2) યોગ્ય પાત્ર બનવું.
[24] તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઈન્સ્ટાઈનને.
[25] એટલું સમજજે કે સુખનો આધાર માલમિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા કે સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો પર રહે છે.
[26] તને માન મળે તેમાં બીજાને સહભાગી બનાવજે.
[27] 'મને એની ખબર નથી' એમ કહેતાં ડરતો નહિ. 'મારાથી ભૂલ થઈ' એમ કહેતાં અચકાતો નહિ. 'હું દિલગીર છું' એટલું બોલતાં ખચકાતો નહિ.
[28] ક્યારેક નિષ્ફળ નીવડવાની પણ તૈયારી રાખજે.
[૨૯] તમારા બાળકો જ્યારે સૌથી generous માણસને યાદ કરે તો તમારી યાદ આવવી જોઇયે.
[૩૦] ખૂશ હો ત્યારે સીટી વગાડો.
[૩૧] ઘર ખરીદતી વખતે ૩ બાબત ધ્યાનમાં રાખવી... location, location અને location.
No comments:
Post a Comment